Dengue In Surendranagar | સુરેન્દ્રનગર શહેરમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ખાસ કરીને ટાવર ચોક વિસ્તારમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટીમો દોડતી થઈ છે.
ટાવર ચોક વિસ્તારમાં ડેન્ગ્યુનો 1 પોઝિટિવ કેસ અને અન્ય 3 શંકાસ્પદ કેસો નોંધાતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમોએ ટાવર ચોકથી 400 મીટરની ત્રિજ્યામાં આવતા 50 થી વધુ મકાનોનો સર્વે શરૂ કર્યો છે.
શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ, શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલટીના કેસો સૌથી વધુ નોંધાઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલની OPDમાં રોજના 600 થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. વરસાદી પાણીના નિકાલના અભાવે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે બાળકો પણ ડેન્ગ્યુની લપેટમાં આવી રહ્યા છે.
રોગચાળાને ડામવા તંત્ર ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરી રહ્યું છે. મકાનોની આસપાસ અને છત પર પડેલા ટાયરો, પક્ષીઓના કુંડા અને અન્ય પાત્રોમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
પાણી ભરાવાની જગ્યાએ દવા છંટકાવ અને ફોગિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. અજરામર ટાવર ચોક, ઘાંચીવાડ પુલ નીચે અને પોસ્ટ ઓફિસ આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. લોકોને અપીલ કરાઈ છે કે ઘરમાં કે આસપાસ પાણી ભરાવા ન દે અને તાવ કે અશક્તિ જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લે.
