Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જ પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.
તહેવારના સમયે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો સારી રીતે પર્વની ઉજવણી કરી શકે તે માટે સરકાર દ્વારા વિનામૂલ્યે ઘઉં-ચોખા ઉપરાંત રાહત દરે તુવેરદાળ, ચણા, ખાંડ, મીઠું તેમજ સીંગતેલ અને કપાસિયા તેલનું વિતરણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજની દુકાનો પર પૂરતો સ્ટોક ન પહોંચતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો તહેવાર ટાણે જ અનાજ અને તેલ મેળવવાથી વંચિત રહી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
શહેરના પોલીસ લાઈન વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા 1.76 lakh રૂપિયાનું ચલણ સમયસર ભરી દેવામાં આવ્યું હતું અને આ ચલણ ઓનલાઈન સિસ્ટમમાં પણ પાસ થયેલું દેખાતું હતું.
આમ છતાં, પુરવઠા વિભાગ દ્વારા આ દુકાનદારને માત્ર વિનામૂલ્યે અપાતા ઘઉં અને ચોખાનો જ જથ્થો ફાળવવામાં આવ્યો છે, જ્યારે તહેવાર નિમિત્તે અપાતી ખાંડ, તેલ, દાળ કે મીઠું જેવી જરૂરી વસ્તુઓનો સ્ટોક આપવામાં આવ્યો નથી. આ એક જ દુકાન પર નોંધાયેલા 876 જેટલા ગ્રાહકોને ચાલુ મહિને અનાજ અને તેલ વગર જ ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે.
મહિનો પૂરો થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કાર્ડ ધારકો જ્યારે મામલતદાર કે DSO કચેરીએ રજૂઆત કરવા જાય છે ત્યારે તંત્ર દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. એટલું જ નહીં, આ ગંભીર બાબતે ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ જ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી.
બીજી તરફ, સુરેન્દ્રનગરમાં 20થી વધુ સસ્તા અનાજની દુકાનો બંધ કરી અન્ય દુકાનદારોને હવાલા આપી દેવાતા ગ્રાહકોની સાથે દુકાનદારો પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે. હાલ અનેક દુકાનો પર પૂરતો જથ્થો ન પહોંચતા સરકારની ગરીબ કલ્યાણની યોજનાઓ માત્ર કાગળ પર રહી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે.
