Dasada Liquor Raid | સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં ગેરકાયદેસર પ્રોહિબિશન પ્રવૃત્તિઓ સામે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે મોટી કાર્યવાહી કરી છે.
રેન્જ પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ દસાડા-માંડલ રોડ પર આવેલા રન રાઈડર રિસોર્ટ નજીક બામણીયા કી તલાવડી ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે વિદેશી દારૂની 455 બોટલો અને 23 બિયર ટીન જપ્ત કર્યા હતા.
પોલીસે સ્થળ પરથી દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી કાર (GJ-01-KR-7805) સાથે આરોપી મનોજભાઈ જગમાલભાઈ વાઘેલા (રહે.બામણીયા કી તલાવડી)ની ધરપકડ કરી છે. પોલીસે રૂ. 43,605 નો દારૂ-બિયરનો જથ્થો અને રૂ. 2,40,000 ની કિંમતની કાર મળીને કુલ રૂ. 2,83,605 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ મામલે દસાડા પોલીસ મથકે મનોજ વાઘેલા અને રેડ દરમિયાન હાજર ન મળી આવેલા સરતાનજી ઠાકોર (રહે. દસાડા) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
સ્થાનિક પોલીસ અને LCB ટીમને અંધારામાં રાખીને રાજકોટ રેન્જ આઈજીની ટીમે આ સફળ દરોડો પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે ફરી એકવાર અનેક સવાલો ઊભા થયા છે.
