Khel Mahakumbh | ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા ચાલુ વર્ષે ‘ખેલ મહાકુંભ 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લા અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (શહેર) વિસ્તારના નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલો માટે આ સ્પર્ધામાં ભાગ લેવા ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
ઈચ્છુક રમતવીરો આગામી 22 સપ્ટેમ્બર 2026 સુધીમાં ખેલ મહાકુંભની સત્તાવાર વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.in પર જઈને પોતાનું આવેદન કરી શકે છે.
આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારનું આયોજન અલગ-અલગ રાખવામાં આવ્યું છે. મહાનગરપાલિકા વિસ્તારની તમામ શાળાઓ, કોલેજો તેમજ ખેલાડીઓએ તેમના સંબંધિત ઉત્તર ઝોન (વોર્ડ નં. 1 થી 8, મૂળચંદ, દૂધરેજ, ખમીસણા, ચમારજ) અથવા દક્ષિણ ઝોન (વોર્ડ નં. 9 થી 13, ખેરાળી, માળોદ, વઢવાણ) મુજબ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
ખેલ મહાકુંભ 2026 માં કૂલ 39 જેટલી રમતોનો સમાવેશ કરાયો છે, જેમાં દોડ, ખો-ખો, વોલીબોલ, કબડ્ડી, રસ્સા ખેંચ, સ્વિમિંગ, શૂટિંગ અને એથલેટિક્સ જેવી રમતો યોજાશે.
આ સ્પર્ધામાં અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17, ઓપન એજ ગ્રુપ, 40 થી ઉપર અને 60 વર્ષથી ઉપર એમ કુલ 7 વય જૂથમાં સ્પર્ધાઓ યોજાશે. દરેક ખેલાડી વધુમાં વધુ 2 રમતમાં ભાગ લઈ શકશે.
કેશ પ્રાઈઝ મેળવવા માટે એક જ KMK ID થી બંને રમતોનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને જૂના ખેલાડીઓએ પોતાના જૂના KMK ID નો જ ઉપયોગ કરવાનો રહેશે.
શાળાના વિદ્યાર્થીઓએ પોતાની શાળામાંથી અને કોલેજના વિદ્યાર્થીઓએ ઓનલાઈન કે કોલેજ મારફતે અરજી કરવાની રહેશે. જ્યારે અન્ય નાગરિકો પોતાના મોબાઈલ અથવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રથી ફોર્મ ભરી શકશે. વધુ માહિતી માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, લીંબડી અથવા ટોલ ફ્રી નંબર 18002746151 પર સંપર્ક કરી શકાશે.
