સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation)માં તહેવારના સમયે જ સફાઈ કર્મચારીઓ (Sanitation Workers)ને સમયસર પગાર ન મળતા કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ પણ સફાઈ કર્મચારીઓની પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા કામદારોને સમયસર પગાર ચૂકવવામાં આવતો નથી.
ખાસ કરીને રાત્રિ સફાઈ કામગીરી કરતી 30 થી વધુ મહિલા સફાઈ કર્મચારીઓને છેલ્લા 6 મહિના પહેલાનો પગાર પણ હજુ સુધી ચૂકવવામાં આવ્યો નથી, જેના કારણે કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
પગાર બાબતે સફાઈ કર્મચારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ સેનિટેશન વિભાગમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો.
જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારના સમયે જ પગાર ન ચૂકવાતા આખરે મહિલા સફાઈ કર્મચારીઓનો અસંતોષ બહાર આવ્યો હતો અને તેમણે મહાનગરપાલિકાના કમિશનર કચેરી ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો તથા તાત્કાલિક પગાર ચૂકવવાની માંગ કરી હતી.
કમિશનર દ્વારા મહિલા સફાઈ કર્મચારીઓને સાંભળવામાં આવી હતી. કમિશનરે જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓની ખોટી હાજરી ભરાઈ છે કે કેમ તેની ખાતરી અને ચેકિંગ કરવું જરૂરી છે.
ચેકિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આગામી 2 દિવસની અંદર તમામ બાકી પગારની ચુકવણી કરી દેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. કમિશનરની આ ખાતરી બાદ મહિલા સફાઈ કર્મચારીઓએ વિરોધ શાંત પાડ્યો હતો.
