Chemical Theft Scam | સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલી હોટલોમાં અને ઢાબાના પાર્કિંગમાં અસામાજિક તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી.
આ ફરિયાદોને ગંભીરતાથી લઈને રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની સૂચના અને અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ રેન્જ પોલીસ ટીમે હાઈવે પરની હોટલો સામે કડક ઝુંબેશ હાથ ધરી હતી.
સ્થાનિક પાણશીણા પોલીસ (Panshina Police Station)ને અંધારામાં રાખીને રાજકોટ રેન્જ IGની ટીમે (Rajkot Range IG Team) હાઈવે પર વિશેષ પેટ્રોલીંગ શરૂ કર્યું હતું.
દરમિયાન C. M. કાંટેલીયા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે લીંબડી તાલુકામાં આવેલા કટારીયા ટોલનાકા નજીક આવેલ યુ.પી. બિહાર ઢાબા હોટલના પાર્કિંગમાં ટેન્કર માલિકની જાણ બહાર ગેરકાયદેસર રીતે કેમિકલની ચોરી કરવામાં આવી રહી છે.
બાતમીના આધારે પોલીસે કટારીયા ગામની સીમમાં આવેલી યુ.પી. બિહાર ઢાબા હોટલના પાર્કિંગમાં અચાનક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન હોટલના પાર્કિંગમાં ઊભેલા ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢીને કેરબાઓમાં ભરવામાં આવી રહ્યું હતું.
પોલીસે સ્થળ પરથી ચોરી કરેલું કેમિકલ, કેમિકલ ભરેલું ટેન્કર, ખાલી તથા ભરેલા કેરબા તેમજ ચોરી કરવા માટે વપરાતા વિવિધ સાધનો સહિત કૂલ ₹45,29,447 (₹45.29 લાખ) નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસે ઘટનાસ્થળેથી કેમિકલ ચોરી કરતા (1) માજિદ વાહિદ અલી (રહે. ઉત્તરપ્રદેશ) (2) સાહિલ ફીરોજભાઇ મુલ્તાની (રહે. અંકેવાળીયા, તા. લીંબડી)ને રંગેહાથ ઝડપી અટકાયત કરી હતી.
ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા તેમણે કબૂલાત કરી હતી કે હાઈવે પર પાર્ક કરેલા ટેન્કરોમાંથી કેમિકલ ચોરી કરીને કેરબામાં ભરી તેનું ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હતું.
આ પૂછપરછ દરમિયાન કેમિકલ ચોરીના આ કૌભાંડમાં અન્ય 3 શખ્સો (1) ઈકલાખખાન (2) જયરાજસિંહ ભુપતસિંહ રાઠોડ (રહે. ચૂડા) (3) જયવીરભાઈ કાઠીની પણ સીધી સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. દરોડા સમયે આ ત્રણેય આરોપીઓ સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા. રાજકોટ રેન્જ પોલીસે ઝડપાયેલા 2 શખ્સો અને ફરાર 3 શખ્સો સહિત કૂલ 5 આરોપીઓ વિરૂદ્ધ પાણસીણા પોલીસ સ્ટેશન ખાતે ગેરકાયદેસર ચોરીનો ગુનો દાખલ કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાઈવે પર થયેલી આ કાર્યવાહીથી કેમિકલ માફિયાઓમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.
