Limbdi Fuel Theft | લીંબડી પોલીસે રાસ્કા ગામની સીમમાં કેનાલ રોડ પર દરોડો પાડી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી ₹34.50 લાખથી વધુનો મુદ્દામાલ, જેમાં ટેન્કર, રિક્ષા, મોટરસાયકલ અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે, તે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસને બાતમી મળી હતી કે રાસ્કા ગામના કેનાલ રોડ પાસે કેટલાક શખ્સો ટેન્કરમાંથી ઇંધણ ચોરી કરી રહ્યા છે. આ બાતમીના આધારે પીઆઈ જી.બી. પરમાર અને પીએસઆઈ વી.એમ. કોડીયાતરની ટીમે પંચોની હાજરીમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન નાયરા એનર્જીનું GJ-16-AV-5640 નંબરનું ટેન્કર ઊભું હતું અને તેના વાલ્વમાંથી પાઇપ દ્વારા ડીઝલ કેરબામાં ભરવામાં આવી રહ્યું હતું.
પોલીસે સ્થળ પરથી (1) દિવ્યરાજસિંહ ગીરુભા જાડેજા (રહે. જાખર, જામનગર), (2) દશરથસિંહ સતુભા ઝાલા (રહે. રાસ્કા), (3) સંજયભાઈ જેરામભાઈ તાવીયા (રહે. રાસ્કા) (4) જયદીપભાઈ અજમલભાઈ કોઠારીયા (રહે. નટવરગઢ)ને ઝડપી પાડ્યા હતા.
તપાસ દરમિયાન ટેન્કરમાંથી આશરે 14,000 લીટર ડીઝલ (કિંમત રૂ.13.26 લાખ) અને 10,000 લીટર પેટ્રોલ (કિંમત રૂ.9.74 લાખ) મળી આવ્યું હતું. આ ઉપરાંત, ટેન્કર, સીએનજી રિક્ષા, છકડો રિક્ષા, મોટરસાયકલ, મોબાઇલ ફોન અને અન્ય સાધનો સહિત કુલ રૂ.34,50,392નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રાથમિક પૂછપરછમાં ટેન્કર ચાલકે સ્થાનિક લોકોને પ્રતિ 20 લીટર ડીઝલ રૂ.1,300ના ભાવે વેચ્યાનું ખુલ્યું છે. આરોપીઓ સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
