Crop Damage Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લામાં 1લી જુલાઇના રોજ વઢવાણ, દસાડા અને લખતર સહિતના 10 તાલુકાઓમાં પડેલા સાર્વત્રિક વરસાદથી ખેતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે.
સૌથી વધુ માઠું પરિણામ વઢવાણ અને લખતર તાલુકામાં જોવા મળ્યું છે, જ્યાં ખેડૂતોના કપાસ, મગફળી, તલ અને લીલા ચારા સહિતના પાકનો સોથ વળી ગયો છે. વઢવાણ તાલુકામાં 15 દિવસ પહેલા 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.
બાકરથળી, કરણગઢ, દુધરેજ, ચમારજ, મૂળચંદ અને નગરા સહિતના 20 થી વધુ ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી વાવેતર સડી ગયું છે. ખેડૂતોએ ખેતર દીઠ રૂ. 45,000 થી રૂ. 60,000 નો મોંઘો ખર્ચ કર્યો હતો.
હવે જ્યારે ખેતરોમાંથી પાણી ઓસર્યા છે ત્યારે માત્ર બળેલો કપાસ, સુકાયેલા તલ અને પીળી પડી ગયેલી સડેલી મગફળી નજરે પડી રહી છે. કપાસના ઉત્પાદનમાં 60% સુધીનો ઘટાડો થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે.
આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં ખેતીવાડી વિભાગ કે સરકારના નેતાઓએ હજુ સુધી કોઈ સર્વે હાથ ધર્યો નથી કે સહાય પેકેજની જાહેરાત કરી નથી. પાક નિષ્ફળ જતાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.
વઢવાણના ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક નુકસાનીનું વળતર જાહેર કરવામાં નહીં આવે તો ખેડૂતો સામે આત્મહત્યા કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.
