સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ચાલતા વિકાસકામોમાં લોટ પાણી ને લાકડા જેવી નબળી કામગીરી સામે આવી રહી છે.
વઢવાણ તાલુકાના બાકરથળી થી લટુડા ગામ તરફ જતાં રસ્તા પર પાણીના યોગ્ય નિકાલ માટે તંત્ર દ્વારા નિર્માણ કરવામાં આવેલો પુલ ગણતરીના મહિનાઓમાં જ તૂટી જતાં કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
ચોમાસા દરમિયાન વાહન વ્યવહાર સતત ચાલુ રહે અને ગામડાઓ સંપર્ક વિહોણા ન બને તેવા હેતુથી અંદાજે રૂ. 60 લાખથી વધુના ખર્ચે આ પુલ બનાવવામાં આવ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, માત્ર 22 મહિના પહેલા જ આ પુલને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

પરંતુ કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા અંગત સ્વાર્થ માટે કરવામાં આવેલી નબળી કક્ષાની કામગીરીને કારણે હાલ પુલ પરથી સિમેન્ટ કોંકરેટ ઉખડી ગઈ છે, પોપડા પડી ગયા છે અને મોટી તિરાડો પણ પડી ગઈ છે.
એટલું જ નહીં પણ પુલ એક બાજુથી નમી જતાં ભયાનક દુર્ઘટનાની શક્યતા સર્જાઈ છે. આ રસ્તા પરથી ખેતીવાડીના વાહનો અને ટ્રેક્ટરો સતત પસાર થતાં હોવાથી સ્થાનિકોમાં અકસ્માતનો ભારે ભય વ્યાપી ગયો છે.
સામાન્ય રીતે કોઈપણ નિર્માણ કાર્યમાં 3 વર્ષનો ગેરંટી પિરિયડ કોન્ટ્રાક્ટરનો હોય છે, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક પુલનું ટેસ્ટિંગ હાથ ધરી દોષિત એજન્સી સામે કડક કાર્યવાહી કરાય અને પુલનું નવેસરથી મજબૂત નિર્માણ કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી છે.
