Limbdi Police Action | ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સમગ્ર ગુજરાત રાજ્યનું પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા એક નવો કીમિયો અજમાવવામાં આવ્યો છે.
લીંબડી ટાઉન અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂના ધંધા સાથે જોડાયેલા લિસ્ટેડ બુટલેગરોની યાદી તૈયાર કરીને તેમને પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા.
લીંબડી પોલીસ મથકના DYSP અને PI કક્ષાના અધિકારીઓ દ્વારા 15 થી વધુ બુટલેગરોને રૂબરૂ બોલાવીને ઈંગ્લીશ તથા દેશી દારૂનું વેચાણ અને ઉત્પાદન તુરંત બંધ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. પ્રથમ વખત પોલીસે આ પ્રકારે બુટલેગરોને પોલીસ મથકે બોલાવીને રૂબરૂ કડક સૂચના આપી છે.
પોલીસ વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો લીંબડી ટાઉન કે ગ્રામીણ વિસ્તારમાં દારૂનું સતત વેચાણ ચાલુ રાખવામાં આવશે તો સંબંધિત ઈસમો સામે PASA અને તડીપાર એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
