Dhrangadhra Viral Infection increase | ધ્રાંગધ્રા શહેરમાં વર્ષાઋતુ અને બેવડી ઋતુના માહોલને કારણે રોગચાળો વકર્યો છે. ચોમાસાની શરૂઆત સાથે જ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના પગલે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો લાગી રહી છે.
હાલમાં શરદી, ઉધરસ, તાવ તેમજ ઝાડા-ઉલ્ટી જેવા પાણીજન્ય અને વાયરલ રોગોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ સુનિલભાઈ સુનેચરાના જણાવ્યા અનુસાર, હોસ્પિટલની જનરલ OPDમાં દરરોજ 300થી પણ વધુ દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે.
આ પરિસ્થિતિમાં સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. બાળ વિભાગમાં રોજના 100થી વધુ બાળકો તાવ અને ઝાડા-ઉલ્ટીની સમસ્યા સાથે સારવાર માટે આવી રહ્યા છે.
વધતા જતાં દર્દીઓના ઘસારાને પહોંચી વળવા માટે હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે. તમામ દર્દીઓને પૂરતી દવાઓ અને જરૂરી સારવાર સ્થળ પર જ પૂરી પાડવામાં આવી રહી છે, તેમજ ગંભીર કેસોમાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરીને સઘન સારવાર અપાઈ રહી છે. જોકે, એકસાથે વધતા જતાં કેસોને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.
