સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની ડિગ્રી (Degree) વગર દવાખાના ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. આ બાબતે સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા, હવે પોલીસ એક્શન મોડમાં આવી છે.
સુરેન્દ્રનગર એસ.ઓ.જી (SOG) પોલીસની ટીમે બાતમીના આધારે લીંબડીના નાની કઠેચી ગામે (Nani Kathechi Village, Ta. Limbdi) ચાલતા એક ક્લિનિક પર દરોડો પાડીને ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા એક નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે.
પોલીસ દરોડા દરમિયાન હોસ્પિટલ ચલાવતા અને ડોક્ટર તરીકે ઓળખાતા રણજીતભાઈ હકાભાઇ ધરજીયા (રહે. તલસાણા તા. લખતર)ની ધરપકડ કરી છે. એસ.ઓ.જી પોલીસે જ્યારે તેની પાસે મેડિકલ પ્રેક્ટિસ માટેની ડિગ્રી અથવા જરૂરી લાયકાતના પ્રમાણપત્રો માંગ્યા, ત્યારે તેની પાસે કોઈ પણ પ્રકારના માન્ય દસ્તાવેજો ન હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે ક્લિનિકમાંથી ₹27,786ની કિંમતની અલગ-અલગ પ્રકારની એલોપેથિક દવાઓ અને તબીબી સાધનોનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પકડાયેલા બોગસ ડોક્ટર વિરુદ્ધ પાણસિણા પોલીસ સ્ટેશન (Pansina Police Station) માં કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
