Dhrangadhra Land Fraud | સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા (Dhrangadhra) તાલુકાના જીવા ગામે જમીન પચાવી પાડવાના એક ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જીવા ગામમાં સર્વે નંબર 909 વાળી ખેતીલાયક જમીનના મૂળ માલિક નીતાબા નવલસિંહ રાણાએ આ જમીન પોતાના એક સ્વજનને ખેડાણ (Farming) માટે આપી હતી. જોકે, જમીન માલિક મહિલા હયાત હોવા છતાં, ભૂમાફિયાઓએ તેમનું બોગસ ડેથ સર્ટિફિકેટ (Fake Death Certificate) બનાવી જમીન પોતાના નામે ચડાવવાનો કારસો રચ્યો હતો.
આ છેતરપિંડીની જાણ ત્યારે થઈ જ્યારે વર્ષ 2025માં આ જમીન પર માલિકની જાણ બહાર રાજદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજાના નામની વારસાઈ માટેની કાચી નોંધ (Draft Entry) પાડવામાં આવી હતી. મહિલાને શંકા જતાં તપાસ કરતા માલૂમ પડ્યું કે, કચ્છ જિલ્લાના રાપર તાલુકાના નાનીરવ ગામેથી તેમનું ખોટું મરણ પ્રમાણપત્ર કઢાવવામાં આવ્યું હતું. આ આધારે જમીન હડપવા (Land Grabbing) માટે ખોટા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કૌભાંડમાં પંચ તરીકે મહાવીરસિંહ જાડેજા અને કિશોરસિંહ જાડેજાની હાજરીમાં રૂ. 50ના સ્ટેમ્પ પેપર પર ખોટી વારસાઈ રજૂ કરી હતી, જેમાં રામદેવસિંહ નામના શખ્સે ઓળખ આપી હતી. આખરે સત્ય બહાર આવતા જમીન માલિક મહિલાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે મહેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા અને રામદેવસિંહ વિરુદ્ધ ગુનો (Complaint) નોંધાવ્યો છે. હાલ પોલીસ આ ભૂમાફિયાઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી રહી છે.