ધ્રાંગધ્રા તાલુકાના સંજનપુર ગામના પ્રગતિશીલ ખેડૂત (Progressive Farmer) અશ્વિનભાઈ ધરમશીભાઈ પટેલે પરંપરાગત ખેતી છોડી બાગાયત ખેતી (Horticulture) અપનાવીને ખેતીમાં નવો રાહ ચીંધ્યો છે. વર્ષોથી એરંડા અને કપાસ જેવા પાકો પર નિર્ભર રહેતા અશ્વિનભાઈએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી માત્ર 70 દિવસમાં ટેટીના પાકમાંથી 40 લાખ રૂપિયાની માતબર કમાણી કરી છે.
અશ્વિનભાઈએ પોતાના 13 એકર ખેતરમાં મલચિંગ (Mulching) અને ગ્રો-કવર (Grow Cover) પદ્ધતિથી ટેટીનું વાવેતર કર્યું હતું. જિલ્લા બાગાયત અધિકારીઓના માર્ગદર્શન અને સરકારી સબસીડી (Government Subsidy) નો લાભ મેળવી તેમણે આધુનિક પદ્ધતિ અપનાવી છે. તેમના જણાવ્યા મુજબ, આ પદ્ધતિથી ઓછો ખર્ચ અને ઉચ્ચ ગુણવત્તાનું ઉત્પાદન મળે છે. એક વીઘામાં અંદાજે 200 થી 250 મણ ટેટીનું ઉત્પાદન થાય છે, જે પરંપરાગત પાકો કરતા બમણી આવક આપે છે.
આ વર્ષે તેમણે વેપારીઓને સીધું વેચાણ કરીને મોટી સફળતા મેળવી છે. સરકારની લોન અને સહાય યોજનાઓએ તેમને આત્મનિર્ભર (Self-reliant) બનવામાં મજબૂત પીઠબળ પૂરું પાડ્યું છે. અશ્વિનભાઈની આ સફળતા આજે સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહી છે.