Zalawad Janmashtami Mela | ઉત્સવપ્રિય ઝાલાવડમાં જન્માષ્ટમી અર્થાત્ સાતમ આઠમની સપ્તાહની પર્વમાળાનો આજે બોળચોથના દિવસે ઘરે ઘરે બાફેલા મગ-રોટલાના જમણ, સાસુ-વહુની કથા સાથે અને ગૌમાતાની પૂજા સાથે ગૃહિણીઓએ ઉજવણી કરી હતી અને આવતીકાલે નાગ પાંચમની ઝાલાવડમાં આવેલા નાગ મંદિરોમાં તેમજ ઘરે ઘરે પણ પરંપરાગત રીતે પાણિયારે નાગનું ચિત્ર બનાવીને પ્રસાદ ધરી, દિવો કરીને ઉજવણી કરાશે.
સુરેન્દ્રનગર મેદાન અને વઢવાણના લોકમેળાની તડામાર તૈયારીઓને આજે આખરી ઓપ અપાયો છે અને બુધવાર તા.૨ સપ્ટેમ્બર રાંધણછઠની સવારે 9 વાગ્યે મેળાનો પ્રારંભ થશે. પાંચ દિવસમાં આશરે 7 લાખ મેદની આવવાનો અંદાજ છે. સુરેન્દ્રનગર ઉપરાંત ધ્રાંગધ્રા અને પાટડીમાં પ્રથમ વખત લોકમેળો યોજાશે.
બુધવારથી મોટાભાગના કારખાનાઓ પણ રજાની મજા માણવા બંધ થવાની શક્યતા છે. જ્યારે તા.2થી 6 દરમિયાન અનેક તબીબોના દવાખના પણ બંધ રહેશે જ્યારે હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.
તા.3થી 5 સાતમથી નોમ દરમિયાન અનેક વેપારીઓ પણ ધંધા રોજગાર બંધ રાખતા હોય છે. જો કે હવે કેટલાક વેપારીઓને રજાના દિવસોમાં જ ઘરાકી વધુ હોય છે જેઓ આ સમયે દુકાનો ચાલુ રાખતા હોય છે.
