Tarnetar fair 2026 | થાન તાલુકાના પૌરાણિક અને વિશ્વપ્રસિદ્ધ તરણેતર ખાતે આજથી તા. 17 સપ્ટેમ્બર સુધી ભાતીગળ લોકમેળાનો રંગારંગ પ્રારંભ થયો છે.
લોકસભાના સાંસદ, ધારાસભ્યો અને સ્થાનિક મહાનુભાવોના હસ્તે ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા-અર્ચના તથા આરતી બાદ મેળાને વિધિવત ખુલ્લો જાહેર કરાયો છે.
લોકસંસ્કૃતિના આ મહાકુંભમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ-વિદેશથી લાખો મેળા રસિકો ઉમટી પડ્યા છે.
દરમિયાન, મેળાના ઉદ્ઘાટન પૂર્વે જ થયેલા ભારે વરસાદને કારણે મુખ્ય મેદાન તેમજ વેપારીઓના સ્ટોલ્સ અને પંડાલ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી નાનીમોટી મુશ્કેલી સર્જાઈ હતી.
વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પાણી નિકાલની કામગીરી કરાઈ છે, છતાં વેપારીઓમાં થોડી ચિંતા છે. તેમ છતાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અકબંધ રહે તે માટે વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મેળામાં સુરક્ષાાર્થે 2 SRP ટીમ, 11 ડીવાયએસપી, 25 થી 30 પોલીસ ઈન્સ્પેક્ટર (PI), 50 પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને 1500થી વધુ પોલીસ જવાનો ખડેપગે રહેશે. ઉપરાંત હોમગાર્ડ અને GRD જવાનો પણ સુરક્ષામાં જોડાશે.
આરોગ્ય સુરક્ષા માટે જિલ્લા આરોગ્ય વિભાગ સક્રિય છે. મેળામાં પ્રવેશતા પહેલા ચેકિંગ કરાઈ રહ્યું છે.
24 કલાક સેવા આપવા માટે 105 આરોગ્યકર્મીઓ, 4 મેડિકલ સેન્ટર, 4 એમ્બ્યુલન્સ અને 108 એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે. પ્રવાસીઓ માટે પર્યાપ્ત પાર્કિંગ અને એસટી બસની સુવિધા છે.
આ ચાર દિવસ દરમિયાન ગ્રામીણ ઓલમ્પિક્સ, પશુ પ્રદર્શન, પશુ હરીફાઈ અને આકર્ષક રાસ-ગરબા સ્પર્ધાઓ યોજાશે.
મુખ્યમંત્રી સહિતના મંત્રીઓની ઉપસ્થિતિ આ મેળાની શોભા વધારશે. વરસાદના વિઘ્ન વચ્ચે પણ તંત્રના આગોતરા આયોજનથી મેળો સફળ સાબિત થઈ રહ્યો છે.
