સુરેન્દ્રનગર સબજેલ (Surendranagar Sub Jail) ફરી એકવાર મોટા વિવાદમાં સપડાઈ છે. જેલમાં બંધ કેદીઓએ (Prisoners) પ્રશાસનની જોહુકમી અને અત્યાચાર સામે વિરોધ નોંધાવતા ભૂખ હડતાલ (Hunger Strike) શરૂ કરી છે.
કેદીઓનો મુખ્ય આક્ષેપ છે કે તેમને પૂરતું ભોજન આપવામાં આવતું નથી અને શુદ્ધ પીવાના પાણીની (Drinking Water) ભારે તંગી છે. સ્થિતિ એટલી ખરાબ છે કે કેદીઓએ પોતાના 2 થી 3 હજાર રૂપિયા ખર્ચીને બહારથી પાણીની બોટલો મંગાવવી પડે છે.
આ ઉપરાંત, સામાન્ય બાબતોમાં જેલ સિપાઈઓ દ્વારા કેદીઓ સાથે મારપીટ કરવામાં આવે છે. ગઈકાલે પણ 1 કેદીને બેરહેમીથી માર મારવામાં આવ્યો હોવાની લેખિત ફરિયાદ તેની પત્ની દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરવામાં આવી છે. કેદીઓએ આવતીકાલે પણ પોતાની ભૂખ હડતાલ ચાલુ રાખવાની ચીમકી આપી છે.
બીજી તરફ, જેલની અંદર ચાલતા ભ્રષ્ટાચાર (Corruption) અને કાળા કારોબાર સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. આક્ષેપ છે કે જેલ પ્રશાસન દ્વારા મોટી રકમ લઈને માનીતા કેદીઓને સબજેલની અંદર મોબાઈલ ફોન (Mobile Phones) સહિતની તમામ પ્રતિબંધિત સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
એકતરફ સામાન્ય કેદીઓને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખીને હેરાન કરવામાં આવે છે, તો બીજી તરફ પૈસાના જોરે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે.
કેદીઓની સામૂહિક ભૂખ હડતાલના કારણે જેલ તંત્રમાં અફરાતફરી મચી ગઈ છે અને આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક ધોરણે સમગ્ર મામલે તપાસના આદેશો આપ્યા છે.
