Devson Catalyst IPO | ઝાલાવાડના ઔદ્યોગિક ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. સુરેન્દ્રનગરના (Surendranagar) સ્થાનિક ઉદ્યોગમાંથી વૈશ્વિક સ્તરે પહોંચેલી જાણીતી કંપની દેવસન કેટાલિસ્ટ લિમિટેડ (Devson Catalyst Limited) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાનો સૌપ્રથમ આઈપીઓ (IPO) લોન્ચ કરવામાં આવ્યો છે.
રોકાણકારોના અપ્રતિમ વિશ્વાસના પરિણામે ₹42 કરોડના પબ્લિક ઇસ્યુ સામે આ આઈપીઓ 220 ગણો ભરાયો છે, જેનાથી તંત્રને ₹6,272 કરોડથી વધુ રકમની અરજીઓ પ્રાપ્ત થઈ છે.
અમેરિકા (US) નું પ્રતિષ્ઠિત ગ્રીન કાર્ડ (Green Card) છોડીને માતૃભૂમિ માટે કંઈક વિશેષ કરી છૂટવાની તમન્ના ધરાવતા સાવન પટેલ અને હર્ષ પટેલના મજબૂત સંકલ્પનું આ પરિણામ છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પાસેથી વિશેષ મંજૂરી મેળવીને 16 જુલાઈ 2026 ના રોજ સુરેન્દ્રનગર ખાતે પ્રથમ વખત લિસ્ટિંગ પ્રક્રિયા અંતર્ગત ‘બોલ સેરેમની’ (Bell Ceremony) નું ભવ્ય આયોજન કરાયું હતું.
આ ઐતિહાસિક પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, બીએસઈ (BSE) ના પ્રતિનિધિ તેજસભાઈ પટેલ, ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો તેમજ અનેક પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહ્યા હતા.

કંપનીના એમ.ડી. (M.D.) સાવન પટેલે જણાવ્યું હતું કે, “પબ્લિક લિમિટેડ કંપની બનવાથી ગ્રોથ વધશે અને પારદર્શક વહીવટ થકી પ્રજાના દિલ જીતીશું. IPO માટે અમારી ટીમે સતત 12 મહિનાની આકરી મહેનત કરી છે. કંપની ભલે નાના શહેરમાં હોય, પણ જો ધગશ મજબૂત હોય તો સફળતા જરૂર મળે છે. આ ભંડોળમાંથી નવા યુનિટની કામગીરી શરૂ કરાઈ છે જેનાથી આગામી સમયમાં નવી રોજગારીની તકો ઊભી થશે.” આ સાથે દેવસન કંપની ભારતમાં એકમાત્ર એવી અગ્રણી ઉત્પાદક છે જે કેટાલિસ્ટ, એડસોર્બન્ટ અને સિરામિક બોલ્સનું સંપૂર્ણ ઉત્પાદન એક જ સ્થળે કરીને ‘મેક ઇન ઇન્ડિયા’ (Make in India) અને ‘આત્મનિર્ભર ભારત’ (Self-reliant India) ના વિઝનને સાકાર કરે છે.
જિલ્લામા અન્ય કંપનીઓને પણ આઈપીઓ લાવવામાં મદદ કરીશું
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થિત અન્ય ઉત્પાદકો અને ક્ષમતા ધરાવતી કંપનીઓ પણ આગામી સમયમાં શેરબજારમાં (Stock Market) પ્રવેશ કરી શકે તે માટે સાવન પટેલે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરમાં અનેક નાના-મોટા ઉદ્યોગો છે જે વૈશ્વિક સ્તરે પહોંચી શકે છે. આ તો માત્ર એક કંપનીનો પ્રારંભ છે; આગામી દિવસોમાં જિલ્લાની અન્ય કંપનીઓ પણ પોતાના IPO લાવી શકે તે માટે તેઓ જરૂરી માર્ગદર્શન, પરામર્શ અને લીગલ કાર્યાવાહીમાં તમામ સંભવ સહયોગ આપશે.
