વઢવાણ GIDC સ્થિત મેડિકલ હોલ ખાતે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ પેસ્ટીસાઇડ્સ એસોસિએશન દ્વારા જંતુનાશક દવા, બિયારણ અને ખાતરના વેપારીઓનું એક ભવ્ય મહાસંમેલન તથા સન્માન સમારોહ યોજાઈ ગયો.
ખેડૂતો સાથે સીધા જોડાયેલા આ સંગઠનના કાર્યક્રમમાં જિલ્લાના તમામ તાલુકામાંથી આશરે ૭૦૦થી ૮૦૦ જેટલા વેપારી મિત્રોએ બહોળી સંખ્યામાં હાજરી આપીને એકતા દર્શાવી હતી.
આ પ્રસંગે વઢવાણના ધારાસભ્ય અને રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાને ‘બેસ્ટ એવોર્ડ’ મળવા બદલ એસોસિએશન દ્વારા તેમનું ભાવભર્યું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પૂર્વ મંત્રી કિરીટસિંહજ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા, ધારાસભ્યો પી.કે. પરમાર અને પ્રકાશભાઈ વરમોરા તથા CA નરેશભાઈ કૈલા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
નેતાઓએ વેપારીઓના પ્રશ્નોમાં સરકાર તેમની સાથે મજબૂતીથી ઊભી રહેશે તેવી ખાતરી આપી હતી. ઉપરાંત AIDA અને એગ્રો ઇનપુટ વેલ્ફર એસોસિએશનના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.
એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયા અને તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આયોજનમાં વિવિધ એગ્રો કંપનીઓનો આર્થિક સહયોગ રહ્યો હતો.
એન્કર નિલેશભાઈ ખોખાણીના સંચાલન હેઠળ યોજાયેલા આ સફળ કાર્યક્રમ બદલ પ્રમુખશ્રીએ તમામ વેપારીઓ અને રાજકીય મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.
