Nagra River Tragedy | વઢવાણ તાલુકાના નગરા ગામે આવેલી સોલાર કંપનીમાં કામ કરતા રાજસ્થાનના 4 યુવકોના ઉમય નદીમાં ડૂબી જવાથી દુઃખદ અવસાન થયું છે. આ યુવકો નદીમાં નાહવા ગયા હતા તે દરમિયાન આ ગઝબની દુર્ઘટના ઘટી હતી, જેમાં કુશારામ જાટ, રમેશકુમાર જાટ, જીવારામ જાટ અને મોહનલાલ જાટ નામના યુવકોના મોત નીપજ્યા હતા. ઘટના બાદ તમામના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.
કંપનીની ગંભીર બેદરકારી અને યોગ્ય આર્થિક સહાયની માંગ સાથે પીડિત પરિવારજનોએ મૃતદેહો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને સિવિલ હોસ્પિટલ બહાર 72 કલાક સુધી ધરણા પર બેસી રહ્યા હતા. આ મામલે રાજસ્થાનના નાગોર લોકસભા બેઠકના સાંસદ હનુમાન બેનીવાલે સોશિયલ મીડિયા પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ટેગ કરીને ન્યાયની ઉગ્ર માંગ કરી હતી.
સાંસદની આ ટ્વિટ બાદ વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સોલાર કંપનીના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા. તંત્ર અને કંપનીએ પરિવારો સાથે બેઠક યોજીને તેમની તમામ માંગણીઓ સત્તાવાર રીતે સ્વીકારી લીધી હતી. મૃતકના સગા ઉદીપકુમાર જાટે માહિતી આપી હતી કે કંપની દ્વારા તમામ માંગણીઓ મંજૂર થતાં અંતે 72 કલાક બાદ પરિવારે મૃતદેહો સ્વીકારી લીધા છે અને ધાર્મિક વિધિ માટે રાજસ્થાન રવાના થયા છે.
