સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો અત્યારથી જ વહીવટી પ્રક્રિયામાં વ્યસ્ત બન્યા છે, જેના કારણે મહાનગરપાલિકાના ટેક્સ વિભાગમાં ભારે ભીડ જોવા મળી રહી છે.
ચૂંટણીના નિયમ મુજબ ઉમેદવારી નોંધાવવા માટે મિલકત વેરો બાકી ન હોવો જોઈએ અથવા જો મિલકત ન હોય તો તેનો સત્તાવાર દાખલો રજૂ કરવો પડે છે. આ જ કારણ છે કે છેલ્લા 2 દિવસમાં જ 168 જેટલા લોકોએ ‘મિલકત ન હોવાનો દાખલો’ કઢાવ્યો છે.
ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ ટિકિટ મેળવવાની ઈચ્છા ધરાવતા કાર્યકરોએ પોતાના ટાઈટલ ક્લિયર કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
બીજી તરફ, આમ આદમી પાર્ટીએ અંદાજિત 30 ઉમેદવારોના નામ જાહેર કરી દેતા અન્ય પક્ષોમાં પણ સળવળાટ જોવા મળી રહ્યો છે. અનેક સંભવિત ઉમેદવારોએ પાલિકાની આવકમાં વધારો કરતા લાખો રૂપિયાનો બાકી ટેક્સ ભરીને ક્લિયરન્સ મેળવી લીધું છે.
ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે સુરેન્દ્રનગર મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી અને વઢવાણ પ્રાંત કચેરી ખાતેથી ફોર્મ વિતરણની કામગીરી પણ વેગવંતી બની છે. અત્યાર સુધીમાં વિવિધ વોર્ડ માટે 60 થી વધુ ફોર્મનો ઉપાડ થયો છે.
ઉમેદવારો પાંચ દિવસ અગાઉથી જ પોતાના દસ્તાવેજો તૈયાર કરી રહ્યા છે જેથી ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કોઈ ટેકનિકલ ખામી ન રહી જાય. 2026 ની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે રસાકસીભરો જંગ ખેલાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
