સુરેન્દ્રનગર જિલ્લામાં ડુપ્લિકેટ દૂધના ઉત્પાદન અને સુરસાગર ડેરી સહિતના કેન્દ્રોમાં ચાલતી ગેરરીતિઓ સામે માલધારીઓએ રજિસ્ટ્રાર કચેરી ખાતે દંડવત પ્રણામ કરીને અનોખો વિરોધ નોંધાવ્યો છે.
માલધારીઓએ કેમિકલયુક્ત નકલી દૂધ અને સુરસાગર ડેરી સહિતના કેન્દ્રોની ગેરરીતિઓ બંધ કરવા, પુરતા ભાવ અને બોનસ આપવા માલધારીઓએ ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના માલધારીઓ અને પશુપાલકો દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર મંડળીની કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. માલધારીઓ અને દૂધ ઉત્પાદકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ દંડવત પ્રણામ કરતા કચેરી સુધી પહોંચ્યા હતા.
માલધારીઓનો આક્ષેપ છે કે જિલ્લામાં 1.50 લાખ જેટલા દૂધાળા પશુઓ હોવા છતાં, સુરસાગર ડેરી અને બીએમસી (બલ્ક મિલ્ક કુલર)માં તેનાથી અનેક ગણું વધુ દૂધ દર્શાવવામાં આવે છે. જે ગામડાઓમાં માત્ર ૫૦૦ પશુઓ હોય ત્યાં પણ બે-બે બીએમસી સ્થાપીને ત્રણ ગણું દૂધ ચોપડે દર્શાવાય છે.
દૂધ માફિયાઓ દ્વારા દૂધમાં કેમિકલ અને યુરિયા ખાતર ભેળવીને નકલી દૂધ તૈયાર કરવામાં આવે છે અને તેનું ઓનલાઇનના બદલે ઓફલાઇન વેચાણ કરીને કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે.
આ કૌભાંડના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે અને બીજી તરફ મૂળ માલધારીઓને પૂરતો ભાવ વધારો કે બોનસ આપવામાં આવતું નથી.
પશુપાલકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો ૧૦ દિવસમાં ડુપ્લિકેટ દૂધનું ઉત્પાદન અને ડેરીઓની ગેરરીતિઓ બંધ કરવામાં નહીં આવે, તો તેઓ પોતાના પશુઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરીમાં ધામા નાખીને ઉગ્ર આંદોલન કરશે.
માલધારીઓની આ રજૂઆત બાદ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને ૧૦ દિવસમાં આ પ્રશ્નોનો પ્રતિઉત્તર આપવાની ખાતરી આપી છે.
નકલી દૂધના કારણે પશુ પાલકોને પુરતું વળતર મળતું નથીઃ દેવકરણભાઇ
સુરેન્દ્રનગર જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે દેવકરણભાઈ જોગરાણાએ આક્ષેપ કર્યો હતો કે સુરસાગર ડેરીમાં વર્ષોેથી ભ્રષ્ટાચાર અને ડુપ્લિકેટ દૂધનું વેચાણ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે, જેના કારણે સામાન્ય પશુપાલકોને કોઈ આથક લાભ મળતો નથી. બીજી બાજુ ઘાસચારો અને અન્ય ખર્ચમાં અસહ્ય મોંઘવારી વધી ગઈ છે. જો નિયમોમાં સુધારો કે ડુપ્લિકેટ દૂધ બંધ નહીં થાય, તો આગામી દિવસોમાં પશુઓ સાથે રાખીને ઉગ્ર આંદોલન અને ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી છે.
