- ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી
- સરકારી શાળામાં પાયાની સુવિધાઓ અને શિક્ષણના સ્તરની જાતતપાસ કરી; વાલીઓ સાથે પણ કર્યો સંવાદ
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર (Surendranagar Collector) ગુણવંતસિંહ એચ. સોલંકી (Gunvantsinh H. Solanki) દ્વારા જિલ્લાની સરકારી શાળાઓની આકસ્મિક મુલાકાતો લેવાનો સિલસિલો શરૂ કરવામાં આવ્યો છે.
શાળાઓ સમયસર શરૂ થાય છે કે કેમ, શિક્ષકો નિયમિત હાજર રહે છે કે નહીં અને વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણનું સ્તર કેવું છે તે ચકાસવા કલેક્ટર ખુદ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી આવ્યા છે.
આ જ કડીના ભાગરૂપે કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ચોટીલા તાલુકાના સૌથી અંતરિયાળ ગણાતા ચોબારી ગામની પ્રાથમિક શાળામાં અચાનક પહોંચી ગયા હતા.
કાચા મકાન અને પ્રાથમિક બાંધકામ વચ્ચે ચાલતી આ શાળામાં કલેક્ટરે તમામ વર્ગખંડોની મુલાકાત લીધી હતી. તેમણે શાળાના વાતાવરણ અને ત્યાં ચાલતા અભ્યાસક્રમ વિશે ઊંડાણપૂર્વક વિગતો મેળવી હતી.
આ ઉપરાંત, બાળકોને મળતી શૈક્ષણિક સુવિધાઓ, સ્વચ્છતા અને મધ્યાહન ભોજનની ગુણવત્તાનું પણ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. શિક્ષકોની હાજરી અંગે તેમણે વાલીઓ સાથે રૂબરૂ મળીને પ્રતિભાવો લીધા હતા.
વહીવટી વડા ભૂલીને શિક્ષકની ભૂમિકામાં લીન થયા
આ નિરીક્ષણ દરમિયાન એક અદભુત નજારો ત્યારે જોવા મળ્યો જ્યારે જિલ્લાના સર્વોચ્ચ વહીવટી વડા કલેક્ટર પોતાની સત્તાવાર ભૂમિકા બાજુ પર મૂકીને એક આદર્શ શિક્ષકના રૂપમાં આવી ગયા હતા. તેઓ સીધા જ બાળકોના વર્ગખંડમાં પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે બેસી ગયા હતા.
બાળકો સાથે સંવાદ અને માર્ગદર્શન
કલેક્ટરે અંતરિયાળ ગામના ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોની નોટબુક અને પાઠ્યપુસ્તકો હાથમાં લઈને તપાસ્યા હતા. એટલું જ નહીં, તેમણે બોર્ડ પાસે ઊભા રહીને વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર જ્ઞાન આપ્યું હતું અને જીવનમાં આગળ વધવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જિલ્લા કલેક્ટરને પોતાની સામે શિક્ષકના રૂપે ભણાવતા જોઈને માસૂમ બાળકોના ચહેરા પણ ખીલી ઉઠ્યા હતા. કલેક્ટરના આ અનોખા અંદાજની હાલ સમગ્ર જિલ્લાના શૈક્ષણિક આલમ અને સોશિયલ મીડિયામાં ભારે પ્રશંસા થઈ રહી છે.