PM Awas Yojana | સુરેન્દ્રનગર જિલ્લાના નળકાંઠા વિસ્તારમાં આવેલા લીંબડી તાલુકાના મોટી કઠેચી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણ સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાના દાવાઓ વચ્ચે અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે અનેક ગરીબ પરિવારો આવાસ યોજનાથી વંચિત રહી ગયા છે.
તાજેતરમાં મોટી કઠેચી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 409 જરૂરિયાતમંદ લોકોનો સર્વે કરીને ફોર્મ ભરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ તમામ અરજીઓની રીસર્વે કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી હતી.
જોકે, તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી અંતિમ યાદીમાં માત્ર 181 લાભાર્થીઓને જ મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 228 જેટલા પાત્રતા ધરાવતા લોકો આ લાભથી વંચિત રહી ગયા છે.
આ ન્યાયહીન નિર્ણય સામે ગામના સરપંચ અને સ્થાનિક આગેવાનોએ લીંબડી તાલુકા વિકાસ અધિકારી (TDO)ને લેખિતમાં આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી છે.
આ મામલે સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ તમામ રહીશ લાભાર્થીઓને યોજનામાં આવરી લેવા ભલામણ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા ઉપેક્ષા કરવામાં આવી રહી છે.
ગ્રામજનોએ માંગ કરી છે કે વંચિત રહેલા તમામ 228 લોકોને તાત્કાલિક ધોરણે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવે.
