PM Poshan Training | લીંબડી ખાતે જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર, ન્યૂટ્રિશન ઇન્ટરનેશનલ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે PM પોષણ મધ્યાહન ભોજન યોજના (Mid Day Meal) ના સંચાલકો, રસોઈયાઓ અને મદદનીશો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ફોર્ટિફાઇડ ચોખા (Fortified Rice) અને ડબલ ફોર્ટિફાઇડ મીઠાના ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર G.H. સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાના બાળકોને ગુણવત્તાયુક્ત, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર પૂરો પાડી કુપોષણમુક્ત કરવાનો છે.
કલેક્ટરે સોશિયલ મીડિયા (Social Media) પર ફેલાતી ભ્રામક અફવાઓથી દોરવાયા વગર વૈજ્ઞાનિક જાણકારી અપનાવવા અપીલ કરી હતી. તેમણે સંચાલકો અને રસોઈયા બહેનોને એક માતાની જેમ પ્રેમથી બાળકોને પીરસવા આહ્વાન કર્યું હતું.
તાલીમ દરમિયાન નિષ્ણાતો દ્વારા જણાવાયું હતું કે ડબલ ફોર્ટિફાઇડ મીઠામાંથી 100% આયોડીન અને 30% થી 60% આયર્ન મળી રહે છે.
ફોર્ટિફાઇડ ચોખામાં ઉમેરવામાં આવતા રાઇસ કર્નલમાં ફોલિક એસિડ, વિટામિન B12 અને આયર્ન હોય છે, જે લોહી વધારવામાં ઉપયોગી છે. ફોર્ટિફાઇડ તેલમાંથી વિટામિન A અને D મળે છે, જેનાથી એનેમિયા (Anemia) જેવી સમસ્યાઓ દૂર થાય છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારી A.G. ગજ્જર, પ્રાંત અધિકારી, મામલતદાર, FDCA ના અધિકારીઓ, તાલુકા આરોગ્ય અધિકારી અને CDPO સહિતના વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 1 શ્રેષ્ઠ અભિગમ સાથે તમામ બાળકો સુધી પોષણ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.
