Limbdi Liquor Raid | સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-ચોટીલા નેશનલ હાઈવે પર રાસકા બોડિયા ગામના પુલ પાસે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે કન્ટેનર ટ્રકમાંથી રૂ. 1 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી વિગતો અનુસાર, સુરેન્દ્રનગર LCB ની ટીમ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી એક ટ્રક કન્ટેનરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને રાજકોટ તરફ જઈ રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે રાસકા બોડિયા ગામના પુલ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કન્ટેનર આવતાં તેને રોકીને તલાશી લેવામાં આવી હતી. કન્ટેનરના પાછળના ભાગમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ 31,452 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 1,00,93,980 થાય છે.
પોલીસે રૂ. 25,00,000 ની કિંમતનું ટ્રક કન્ટેનર અને રૂ. 20,000 ની કિંમતના 2 મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 1,26,13,980 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે પોલીસે કન્ટેનર ચાલક જુંજારામ રીડમલરામ ગોદારા (રહે. પુરાવાગામ, તા. ધોરીમના, જી. બાલોતરા, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. તેની પૂછપરછ કરતાં આરોપી પહેલાં શાકભાજીની ગાડી ચલાવતો હતો અને નાસિકના રમેશકુમાર નામના શખ્સના સંપર્કમાં આવ્યો હતો.
રમેશકુમારે તેને મુન્દ્રા પોર્ટ પરથી કન્ટેનર નાસિક લાવવા અને ત્યારબાદ નાસિકથી દારૂ ભરેલું કન્ટેનર રાજકોટ પહોંચાડવા માટે મોકલ્યો હતો. દારૂનો જથ્થો ખાલી કરવા માટે તેને વોટ્સએપ કોલ દ્વારા સૂચના મળવાની હતી.
આ કેસમાં એલસીબી પોલીસે પકડાયેલા ચાલક જુંજારામ ગોદારા, ટ્રક કન્ટેનરના માલિક, દારૂનો જથ્થો મોકલનાર નાસિકના રમેશકુમાર અને દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટનો અજાણ્યા શખ્સો સહિત તમામ વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લીંબડી પોલીસના નાક નીચેથી LCB એ દારૂનો આટલો મોટો જથ્થો ઝડપી પાડતાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય તેવા સવાલો ઉઠ્યા છે.
