Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ રેન્જ IGની ટીમે સફળ દરોડો પાડ્યો છે.
સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચને અંધારામાં રાખીને પાડવામાં આવેલા આ દરોડાથી પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
રેન્જ IG ની ટીમને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે ભવાનીગઢની સીમમાં ધમધમતી દારૂની ચાલુ ભઠ્ઠી પર રેઇડ કરવામાં આવી હતી.
દરોડા દરમિયાન સ્થળ પરથી 620 લિટર દેશી દારૂ (કિંમત રૂ. 1,24,000) અને દારૂ બનાવવાનો 4000 લિટર ઠંડો આથો (કિંમત રૂ. 80,000) મળી આવ્યા હતા. પોલીસે દારૂ બનાવવાના સાધનો સહિત કુલ રૂ. 2,08,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ ગેરકાયદે ભઠ્ઠી ભવાનીગઢનો રહેવાસી હસમુખભાઈ મધુભાઈ દેકાવાડિયા ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
દરોડા સમયે આરોપી હાજર મળી આવ્યો ન હોવાથી તેની સામે મૂળી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ભવાનીગઢ ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવા છતાં સ્થાનિક મુળી પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. અંતે રેન્જ IGની ટીમે સીધી કાર્યવાહી કરવી પડતાં સ્થાનિક પોલીસની ભૂમિકા અને નિષ્ફળતા સામે અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે.
