Limbdi Highway Accident | રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર અકસ્માતોની શ્રેણી સતત ચાલુ રહી છે. લીમડી નજીક આવેલા કટારીયા ચેકપોસ્ટ પાસે સર્જાયેલા દર્દનાક માર્ગ અકસ્માતમાં રાજકોટના 75 વર્ષીય આધેડ નરસિંહભાઈ વાડોલીયાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે.
નરસિંહભાઈ વર્ષોથી અખબાર છાપવાના મશીન રીપેરીંગ ક્ષેત્ર સાથે જોડાયેલા હતા. તેઓ અમદાવાદ ખાતે અખબારનું મશીન રિપેર કરીને પોતાની સ્વિફ્ટ કારમાં પરત રાજકોટ તરફ જઈ રહ્યા હતા.
આ દરમિયાન કટારીયા બોર્ડ નજીક ટ્રક અને ટ્રાવેલ્સને ઓવરટેક કરવા જતાં તેમની કાર ટ્રક સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર નરસિંહભાઈનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
ઘટનાની જાણ થતાં જ લીમડી પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખસેડીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
