સુરેન્દ્રનગરના મુખ્ય અને અત્યંત વ્યસ્ત ગણાતા 80 ફૂટ રોડ પર નવરંગ 2 થી ભક્તિનંદન સર્કલ સુધીના માર્ગ પર વાહનચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.
ચોમાસા દરમિયાન વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા રોડ પર ખોદવામાં આવેલા ખાડાઓ 25 દિવસ વીતી ગયા હોવા છતાં બૂરવામાં આવ્યા નથી. જેના કારણે સમગ્ર રસ્તો વન-વે બની ગયો છે અને અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે.
સ્થાનિક તંત્રની આ નિષ્ક્રિયતા સામે શાસક પક્ષમાંથી જ વિરોધનો સૂર ઉઠ્યો છે. ભાજપના પૂર્વ સદસ્ય હિતેશભાઈ બજરંગે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને મહાનગરપાલિકાની કામગીરી સામે તીખો આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે મનપાની બેદરકારી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે કરોડો રૂપિયાનો ટેક્સ ભરતી પ્રજા આજે પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહી ગઈ છે.
આ જ વિસ્તારમાં આવેલા ‘આઇકોનિક રોડ’નું કામ પણ છેલ્લા 1 વર્ષથી ખોરંભે પડ્યું છે. એક તરફ અધૂરું કામ અને બીજી તરફ ખુલ્લા ખાડાઓને કારણે વાહનો એક જ સાઈડથી પસાર કરવા પડી રહ્યા છે.
ભાજપના જ સદસ્ય દ્વારા પ્રજાની વ્યથા રજૂ કરાતા મનપામાં ખળભળાટ મચ્યો છે અને સ્થાનિકો તાત્કાલિક રોડનું કામ પૂર્ણ કરી રસ્તો પૂર્વવત કરવાની માંગ કરી રહ્યા છે.
