Surendranagar Accident | લખતર તાલુકા પંચાયત (Lakhtar Taluka Panchayat)ના SBM વિભાગમાં ટેકનિકલ આસિસ્ટન્ટ (Technical Assistant) તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય રવિભાઈ ચંદ્રકાંતભાઈ પરમાર પોતાના પરિવાર સાથે વઢવાણ-લખતર રોડ (Wadhwan-Lakhtar Road) પર બાઈક લઇ પસાર થઈ રહ્યા હતા.
દરમિયાન દેદારા ગામ (તા.વઢવાણ) નજીક આવેલી એક પેપર મિલ નજીક એક અજાણ્યા વાહનચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ ગંભીર અકસ્માતમાં બાઈક પર સવાર રવિભાઈના 30 વર્ષીય પત્ની દીપિકાબેન પરમાર અને તેમના દોઢ વર્ષના માસૂમ પુત્ર દિવ્યેશ પરમારને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બંનેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.
અકસ્માત સર્જાતા જ આસપાસના ખેડૂતો, ખેતમજૂરો અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી વઢવાણ પોલીસ (Wadhwan Police)ની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી.
પોલીસે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા અધિકારી રવિભાઈને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ (TB Hospital) ખાતે ખસેડ્યા હતા.
આ સાથે જ પોલીસે બંને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ (Post-Mortem) અર્થે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ (Gandhi Hospital) ખાતે મોકલી આપ્યા હતા. વઢવાણ પોલીસે આ મામલે ગુનો નોંધીને હાઇવે પર લાગેલા CCTV ફૂટેજ તથા અન્ય સોર્સની મદદથી ફરાર અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.
