Surendranagar Slaughterhouse Protest | રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 10,735 નવા કતલખાના ખોલવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવાતા સમગ્ર ગુજરાતમાં જૈન સમાજ, જીવદયા પ્રેમીઓ અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
રાજ્યમાં હાલ 2,000 થી વધુ કતલખાના ચાલી રહ્યા હોવા છતાં નવા કતલખાનાઓને મંજૂરી અપાતા ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
આ નિર્ણયના સખત વિરોધમાં સુરેન્દ્રનગર ખાતે આંબેડકર ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી જૈન સમાજ, શાસન સેવા સમિતિ અને ગૌરક્ષકો દ્વારા એક વિશાળ રેલી યોજવામાં આવી હતી.
રેલીના અંતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નવા કતલખાનાની મંજૂરીનો નિર્ણય તાત્કાલિક રદ કરવા અને ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માંગ કરવામાં આવી હતી.
આ ઉપરાંત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં RTI હેઠળ મળેલી માહિતી મુજબ એકપણ માંસ-મટનની દુકાનને શોપ એક્ટ લાયસન્સ અપાયું નથી. આમ છતાં પવિત્ર શ્રાવણ માસ, પર્યુષણ અને ચાતુર્માસ જેવા તહેવારોમાં પણ ખુલ્લેઆમ માંસનું વેચાણ થઈ રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે.
આગામી 15 દિવસમાં આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો રાજ્યભરમાં જેલ ભરો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
