સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામે આવેલા શક્તિ માતાજીના મંદિરમાં ધોળા દિવસે ચોરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. છકડો રિક્ષા લઈને આવેલા 2 શખ્સો પૈકી એક શખ્સે મંદિરમાં પ્રવેશ કરી પિત્તળના વાસણો અને અન્ય ચીજવસ્તુઓની ચોરી (Theft) કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પુજારીના પત્નીની સતર્કતા અને ગ્રામજનોની ત્વરિત કાર્યવાહીને કારણે એક શખ્સ ઝડપાઈ ગયો હતો.
ઘટનાની વિગતો મુજબ, જ્યારે ચોર મંદિરમાં પિત્તળની વસ્તુઓ ચોરી રહ્યો હતો, ત્યારે પુજારીના પત્નીએ તેને જોઈ લીધો હતો અને તુરંત પુજારી જયરાજભાઈ ગોસ્વામીને જાણ કરી હતી. પુજારીએ ગ્રામજનોને ફોન કરતા ગામના લોકો તાત્કાલિક મંદિર (Temple) ખાતે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ એક ચોરને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો, જ્યારે તેનો અન્ય એક સાથીદાર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
કડુ ગામના સરપંચ અને ગ્રામજનોએ આ અંગે પોલીસને જાણ કરતા લખતર પોલીસ (Lakhtar Police) ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ચોરી કરનાર શખ્સને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ શરૂ કરી છે અને નાસી છૂટેલા બીજા શખ્સને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મંદિરમાં ધોળા દિવસે થયેલા આ હિંમતભર્યા ચોરીના પ્રયાસથી વિસ્તારમાં સુરક્ષા અંગે ચર્ચા જાગી છે.