Accident News | વઢવાણ-મૂળચંદ માર્ગ પર ક્રેનચાલકે શાળાએથી પરત ફરતા મોપેડ સાથે ઊભેલા વિદ્યાર્થીને હડફેટે લેતાં ગંભીર ઇજા થઈ હતી. ચાલક ફરાર થતાં રોષે ભરાયેલા વાલીઓએ કડક કાર્યવાહીની માંગ કરી છે.
સુરેન્દ્રનગરના વઢવાણ રોડ પર આવેલા મૂળચંદ ગામ તરફ જવાના માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. સંકલ્પ વિદ્યાલયમાં અભ્યાસ કરતો ભવ્ય સોલંકી નામનો વિદ્યાર્થી શાળા છૂટયા બાદ પોતાની માતા સાથે મોપેડ પર પરત ફરી રહ્યો હતો.
રસ્તામાં માતા અને પુત્ર બંને ઊભા હતા, તે દરમિયાન પાછળથી આવી રહેલી ક્રેનના ચાલકે બાળકને ન જોતાં તેને ટક્કર મારી હડફેટે લીધો હતો.
આ અકસ્માતમાં વિદ્યાર્થીના પગના ભાગે ગંભીર ઇજા થઈ હતી. ઘટના બાદ બેફામ દોડતી ક્રેનનો ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.
ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક રીક્ષા મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ગંભીર સ્થિતિને કારણે તેને વધુ સારવાર અર્થે મેડિકલ કોલેજ રીફર કરવામાં આવ્યો છે. આ ઘટનાથી સ્થાનિકો અને વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.
લોકોએ પોલીસને જાણ કરી ફરાર ક્રેન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા તથા શહેરમાં ટ્રાફિક નિયમન માટે ખાસ ડ્રાઇવ યોજવા માંગ કરી છે.
