Suspended ASI surrenders in court for Ratanpar Dabba trading case
- 23માંથી 20 આરોપીની ધરપકડ, વધુ અડધો ડઝનના નામો ખુલ્યાં
- ઘણાં વર્ષોથી ડબ્બા ટ્રેડિંગ ચાલતું હોવાની શક્યતા સીટના સૂત્રોએ દર્શાવી
- તમામ વ્યવહાર આંગડિયા મારફત થતા હતા
Ratanpar ASI Dabba Trading | સુરેન્દ્રનગરના રતનપરમાં ધજાળા પોલીસ મથકના ASI સંજયસિંહ રાઠોડ દ્વારા ચલાવાતા શેરબજારના ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ ઉપર રાજકોટ રેન્જ પોલીસની ટીમે દરોડો પાડયો હતો. કરોડો રૂપિયાના ડબ્બા ટ્રેડિંગના આ કેસનો મુખ્ય સુત્રધાર સસ્પેન્ડેડ એએસઆઇ સંજયસિંહ રાઠોડ સુરેન્દ્રનગરની કોર્ટમાં રજૂ થઇ જતાં તેનો સીટની ટીમે કબજો લઇ તપાસ આગળ ધપાવી છે.
આ હાઇપ્રોફાઇલ કેસની તપાસ માટે રાજકોટ રેન્જના DIGએ ધોરાજીના એએસપી સિમરન ભારદ્વાજના નેતૃત્વ હેઠળ સીટની રચના કરી હતી. બે દિવસ પહેલા મુખ્ય સુત્રધાર સંજયસિંહ રાઠોડ સુરેન્દ્રનગરની કોર્ટમાં સરેન્ડર થઇ જતાં તેનો સીટની ટીમે કબજો મેળવી તપાસ આગળ ધપાવી છે.
સીટના સુત્રોએ જણાવ્યું કે, આરોપી સંજયસિંહ રાઠોડ તપાસમાં સહકાર આપતો નથી. આમ છતાં આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. કુલ 23 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. જેમાંથી 20 આરોપીઓ પકડાઇ ચુક્યા છે. વધુ અડધો ડઝન આરોપીઓના નામો ખુલ્યા છે. આ તમામ આરોપીઓ હાઇપ્રોફાઇલ હોવાનું મનાય છે.
સીટને તપાસ કરતાં એવી વિગત પણ જાણવા મળી છે કે, આ ડબ્બા ટ્રેડિંગનું કારસ્તાન છેલ્લા ઘણાં વર્ષોથી ચાલતું હતું. હાલમાં જે ટીમ પકડાઇ હતી તે છ મહિના જુની હતી. મોટાભાગના ટ્રાન્ઝેક્શન આંગડિયા મારફત થતાં હતા. સીટના સુત્રો આ ડબ્બા ટ્રેડિંગને ખૂબ જ મોટું ગણાવી રહ્યા છે. તે જોતા આગામી દિવસોમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા નકારાતી નથી.
