Wadhwan GIDC | સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલા વઢવાણ જીઆઇડીસી (Wadhwan GIDC) વિસ્તારમાં ગેરકાયદેસર અનાજના સંગ્રહ સ્થાન પર એએસપી વૈદિકા બિહાનીએ વેશપલટો કરીને દરોડા પાડયા હતા.
ખાનગી બાતમીના આધારે એએસપી પોતાની ટીમ સાથે ગ્રાઉન્ડ પર ઉતરી આવ્યા હતા અને જીઆઇડીસી વિસ્તારમાં ભાગ્યોદય પાર્ટી પ્લોટ નજીક આવેલા વેરહાઉસ સામેની ગલીમાં ગોડાઉન પર અચાનક દરોડો પાડયો હતો. બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર આ ગોડાઉન હોવા છતાં સ્થાનિક પોલીસ કે એલસીબી દ્વારા કોઈ કાર્યવાહી કરી ન હતી.
આ કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ અનાજના જથ્થામાં ઘઉંના 209, ચોખાના 150 અને ચણાના 26 કટ્ટા જપ્ત કરવામાં આવ્યા છે, જેના વિવિધ નમૂના લઈ ટેસ્ટિંગ અર્થે મોકલાયા છે.
આ અનાજનો જથ્થો સરકારી સસ્તા અનાજનો હોવાની આશંકા છે. સસ્તા અનાજના દુકાનદારો પાસેથી ગ્રાહકોને ઓછું અનાજ આપી એકત્ર કરાતું હોવાનું માનવામાં આવે છે.
આ રેકેટ ચલાવતા પરેશ ગાંધી નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ શરૂ કરાઈ છે, જે છેલ્લા અનેક વર્ષોથી આ વ્યવસાયમાં સંકળાયેલો છે.
પોલીસે રૂ. 4.84 લાખની કિંમતનો અનાજનો જથ્થો તથા ટ્રાન્સપોર્ટના વાહનો મળી કુલ રૂ. 10.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
