Polio Vaccination Surendranagar | ભારત સરકાર અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલ તારીખ ૨૮/૦૬/૨૦૨૬ થી ૩૦/૦૬/૨૦૨૬ સુધી ત્રણ દિવસીય પોલિયો રસીકરણ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાઅભિયાન અંતર્ગત જિલ્લાના ૦ થી ૫ વર્ષના કુલ ૨,૧૬,૭૦૨ બાળકોને પોલિયો વિરોધી રસીના બે ટીપા પીવડાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
વહીવટી તંત્ર સજ્જ: ડીસ્ટ્રીક ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ
આ અભિયાનને સંપૂર્ણ સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને ‘ડીસ્ટ્રીક ટાસ્ક ફોર્સ કમિટી’ની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) ના સીધા માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા RCHO તેમજ તમામ તાલુકાના હેલ્થ ઓફીસરો હાજર રહ્યા હતા અને સમગ્ર કામગીરીનું આયોજન સુનિશ્ચિત કર્યું હતું.
બુથથી લઈને ઘર-ઘર સુધી પહોંચશે ૧,૭૨૫ ટીમો
આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણની કામગીરીને આયોજનબદ્ધ રીતે વહેંચવામાં આવી છે:
પ્રથમ દિવસ (૨૮ જૂન): જિલ્લાના તમામ ૮૬૩ બુથ પર બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવશે.
બીજો અને ત્રીજો દિવસ (૨૯ અને ૩૦ જૂન): બુથ પર આવતા બાકી રહી ગયેલા બાળકો માટે ૧,૭૨૫ ટીમો દ્વારા ઘરે-ઘરે (હાઉસ-ટુ-હાઉસ) જઈને રસીકરણ કરવામાં આવશે.
શ્રમિકોના બાળકો અને મુસાફરો માટે ખાસ આયોજન
કોઈપણ બાળક આ સુરક્ષા ચક્રથી વંચિત ન રહી જાય તે માટે વિશેષ ટીમો તહેનાત કરાઈ છે:
મોબાઈલ ટીમો: વાડી વિસ્તારોમાં રહેતા તેમજ બહારથી મજૂરી અર્થે આવેલા શ્રમિકોના બાળકો સુધી પહોંચવા માટે ૪૪ મોબાઈલ ટીમો એક્શનમાં રહેશે.
ટ્રાન્ઝીટ ટીમો: રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ટોલગેટ, મેળા, બજાર અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં અવરજવર કરતા બાળકો માટે ૪૮ ટ્રાન્ઝીટ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોનીટરીંગ : આ સમગ્ર કામગીરી પર બાજ નજર રાખવા અને દેખરેખ માટે ૧૭૮ સુપરવાઇઝરોની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લા કક્ષાએથી ૧૧ લાયઝન અધિકારીઓ દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનું સીધું મોનીટરીંગ કરવામાં આવશે.
તંત્રની ખાસ અપીલ: જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ માતા-પિતાને નમ્ર અપીલ કરવામાં આવી છે કે “દો બુંદ જિંદગી કી” દરેક બાળક માટે અનિવાર્ય છે. તેથી, પોતાના ૦ થી ૫ વર્ષના બાળકોને નજીકના પોલિયો બુથ પર જરૂર લઈ જાય અને જો અગાઉ પણ પોલિયોની રસી પીવડાવેલ હોય, તો પણ આ રાઉન્ડમાં રસી અવશ્ય અપાવે.
