Sayla Crime News | સાયલા તાલુકાના સેજકપર ગામના શાંતિનગર પરામાં રસ્તે ચાલવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થતાં ચાર શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યોે હતો. બનાવ અંગે પોલીસે ચાર શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પથાભાઈ પુંજાભાઈ પરાલીયા પોતાના મોટરસાયકલ પર વાડીએ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં શિફ્ટ કાર અને બાઈક પર આવેલા શીવલભાઈ દાદભાઈ ખવડ, પદુભાઈ દાદભાઈ ખવડ, વિજયભાઈ દાદભાઈ ખવડ અને એક અજાણ્યા શખ્સે તેમને અટકાવ્યા હતા.
આરોપીઓએ લોખંડના પાઈપ, કુહાડી અને લાકડીના ધોકા વડે પથાભાઈ પર તૂટી પડી હાથે-પગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ ‘આ જગ્યા અમારા બાપની છે, અહીંથી કેમ ચાલે છે?’ તેમ કહી ગાળો આપી હતી અને ફરીથી અહીં દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર બાદ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખસેડાયા છે. સાયલા પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે, જોકે હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.