- ડેપ્યુટી મેયરનો ખુદનો વોર્ડ ગંદકીથી ખદબદ્યો, જનતા પરેશાન રોગચાળાની દહેશત
- ચૂંટણી ટાણે પગે પડતા નેતાએ માત્ર સોશિયલ મીડિયા પર વાહવાહી લૂંટી, સ્થાનિકોમાં ભારે રોષ
Wadhwan Drainage Issue | સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. વઢવાણના મોટાપીર ચોક અને જેમલ ખવાસની શેરી સહિતના આજુબાજુના વિસ્તારોમાં ડ્રેનેજના ગંદા પાણી લોકોના ઘરોમાં ભરાઈ ગયા છે.
તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નાખવામાં આવેલી ભૂગર્ભ ગટર અને ડ્રેનેજ યોજના અત્યંત નિષ્ફળ સાબિત થઈ છે. ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ પ્રસરી ગઈ છે અને સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે.
આશ્ચર્યની વાત એ છે કે, આ વિસ્તાર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલનો ખુદનો વોર્ડ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ચૂંટણી સમયે મતો મેળવવા માટે પગે લાગતા અને પ્રશ્નોના નિરાકરણના મોટા-મોટા વાયદા આપનારા નેતાજી લાંબી રજૂઆતો બાદ માંડ મુલાકાતે આવ્યા હતા. પરંતુ જનતાની પીડા દૂર કરવાના બદલે ડેપ્યુટી મેયર ત્યાં પણ ફોટો સેશન કરાવવામાં મશગૂલ દેખાયા હતા. લોકોના ઘરોમાં ગટરના પાણી ભરાયેલા હોવા છતાં, તેમણે પોતાની વાહવાહી લૂંટવા માટે સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ કર્યા હતા.
મુલાકાત દરમિયાન રોષે ભરાયેલા સ્થાનિકોએ ડેપ્યુટી મેયર સામે ઉગ્ર આક્રોશ ઠાલવી તાત્કાલિક નિકાલની માંગ કરી હતી, જેના કારણે મામલો ગરમાયો હતો. જોકે, નેતાજી ગટરના પાણીનો કોઈ કાયમી ઉકેલ લાવ્યા વિના, માત્ર ફોટા પડાવીને સંતોષ માની પરત ચાલ્યા ગયા હતા. મુલાકાત બાદ પણ ગંદકીની પરિસ્થિતિ જસની તસ રહેતા વઢવાણના રહીશોમાં તંત્ર અને જનપ્રતિનિધિ સામે ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે અને માત્ર દેખાડો કરવાના બદલે વાસ્તવિક કામગીરી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.
