નર્મદા નિગમની માળિયા બ્રાન્ચ કેનાલ પર ચાલતી કામગીરીમાં ગંભીર નાણાકીય અનિયમિતતાઓ અને મોટા ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે. ગેડીયા ગામના જાગૃત નાગરિક મેહબૂબખાન મલેક દ્વારા RTI (માહિતી અધિકાર) હેઠળ મેળવેલી વિગતોમાં આ ચોંકાવનારો પર્દાફાશ થયો છે.
આશરે 70 કિલોમીટર લાંબી આ કેનાલ પર પેટ્રોલિંગ, ચોકીદારી અને ગેટ ઓપરેટર તરીકે જે કર્મચારીઓના નામે માસિક બિલો પાસ કરવામાં આવ્યા છે. તેઓ સ્થળ પર ક્યારેય હાજર રહેતા જ નથી. સ્થાનીક ખેડૂતોની તપાસમાં સામે આવ્યું છે કે, એક જ વ્યક્તિ 3 થી 4 જગ્યાએ ફરજ બજાવતો હોવાનું દર્શાવી ખોટી રીતે પગાર મેળવી રહ્યો છે.
RTIના દસ્તાવેજો મુજબ, માત્ર કર્મચારીઓના કલર ફોટોગ્રાફ્સ મૂકીને જ બિલો પાસ કરી દેવાયા છે. અરજદારે પોતાના જોખમે લોકેશન અને સમય સાથેના GPRS વીડિયો પુરાવા એકત્ર કર્યા છે. જે સાબિત કરે છે કે, ફરજના સમયે કેનાલ પર કોઈ જ સ્ટાફ હાજર નહોતો. અંદાજે 2.50 કરોડ રૂપિયાના કુલ કોન્ટ્રાક્ટમાંથી અત્યાર સુધીમાં 45 લાખથી વધુની રકમ કોઈ પણ કામ કર્યા વિના જ ચૂકવી દેવામાં આવી હોવાની આશંકા છે. આ સરકારી નાણાંના કૌભાંડ અંગે નર્મદા નિગમના ગાંધીનગર સ્થિત મુખ્ય ઈજનેરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. અરજદારે નિગમની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ કરાવી, જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવા અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે. જો આગામી 10 દિવસમાં આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો હાઈકોર્ટમાં PIL (જાહેર હિતની અરજી) અથવા એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)માં ફરિયાદ કરવાની ચીમકી આપવામાં આવી છે.
