સુરેન્દ્રનગર શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ કાળઝાળ ગરમીમાં રાહદારીઓ અને સામાન્ય જનતાની તરસ છીપાવવા માટે “જળ એ જ જીવન” ના મંત્ર સાથે જૈન સોશિયલ ગ્રુપ (JSG) સિલ્વર દ્વારા ઠંડા પાણીની પરબનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ સેવાકીય કાર્ય મુંબઈના દીપ્તિબેન જયેશભાઈ સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી અમલમાં મૂકવામાં આવ્યું છે, જેમાં કોઈપણ ભેદભાવ વિના દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ ઠંડું જળ મેળવી શકશે.
શહેરના સૌથી વ્યસ્ત ગણાતા વિસ્તારોમાં આ સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં A ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલ મહેતા મોબાઈલ, ન્યૂ માર્કેટ સામે પતરાવાળી ચોકમાં આવેલ રતન ટાઈમ અને જવાહર રોડ પર મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ ખાતે શ્રેણિક એન્ટરપ્રાઈઝ પાસે આ પરબ કાર્યરત કરવામાં આવી છે.
2026 ના આ આકરા ઉનાળામાં જ્યારે બપોરના સમયે તાપમાન ચરમસીમાએ હોય છે, ત્યારે રાહદારીઓને ઘર જેવું શુદ્ધ અને ઠંડું પાણી મળી રહે તેવી સુંદર વ્યવસ્થા કરાઈ છે.
આ આયોજનને સફળ બનાવવા માટે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરની સમગ્ર કારોબારી ટીમે ભારે જહેમત ઉઠાવી છે. ઉનાળાની બપોરે તરસ્યા મુસાફરો અને સ્થાનિક મજૂર વર્ગ માટે આ પરબ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સેવાભાવી સંગઠન દ્વારા કરવામાં આવેલી આ પ્રશંસનીય પહેલની સમગ્ર શહેરભરમાં સરાહના કરવામાં આવી રહી છે.
