સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લાના નાગરિકોને સ્પર્શતા પ્રશ્નો, પ્રગતિ હેઠળના વિકાસકાર્યો તેમજ ફરિયાદ સમિતિને મળેલી અરજીઓના સમયસર નિકાલ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
કલેક્ટરે તમામ અધિકારીઓને લોકપ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ રહીને ફરિયાદોનો ઝડપી અને સરાહનીય નિકાલ કરવા ખાસ સૂચના આપી હતી.
બેઠક દરમિયાન આગામી 17 ઓક્ટોબર સુધી ચાલનારા સેવા સંકલ્પ અભિયાન અને સ્વચ્છતા અભિયાનના સુચારુ આયોજન પર ભાર મૂકવામાં આવ્યો હતો.
કલેક્ટરે જિલ્લામાં સઘન સ્વચ્છતા ઝુંબેશ ચલાવવા, જનભાગીદારી વધારીને સેવાકીય પ્રવૃત્તિઓ વેગવંતી બનાવવા અને સરકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા નિર્દેશ આપ્યા હતા.
આ ઉપરાંત, સેવા સેતુ કેમ્પનું યોગ્ય સંચાલન થાય અને કામગીરીનું દૈનિક મોનિટરિંગ થાય તે બાબત સુનિશ્ચિત કરવા જણાવાયું હતું.
તદુપરાંત, સરકારી કર્મચારીઓના પેન્શન કેસો, આરટીઆઈ અરજીઓ, કચેરીઓનું નિરીક્ષણ, સરકારી લેણાંની વસૂલાત અને ઓનલાઈન ડેટા એન્ટ્રી જેવી વહીવટી બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, સાંસદ ચંદુ શિહોરા, ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
