ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો છે. ધ્રાંગધ્રાના ખારી શેરી વિસ્તારમાં રહેતા દિનેશભાઈ મેવાડા સાથે મિત્રતાનો દાવો કરીને આરોપી ભરતે પ્રસંગમાં પહેરવાના બહાને 17 તોલાનો સોનાનો પટ્ટો અને 10 તોલાનો ચેન મેળવ્યો હતો.
આ સિવાય હાથ ઉછીના પૈસાના નામે દિનેશભાઈનું ક્રેડિટ કાર્ડ મેળવી તેમાંથી 2 લાખ રૂપિયા પણ ઉપાડી લીધા હતા. લાંબો સમય થવા છતાં સોનાના ઘરેણા પાછા ન આપતા દિનેશભાઈએ તપાસ કરી હતી.
તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો કે આરોપી ભરત રણછોડ મેવાડાએ આ 27 તોલા સોનાના દાગીના સુરેન્દ્રનગરની બેંકમાં મૂકી ગોલ્ડ લોન લઈ લીધી હતી. વ્યાજ ન ભરાતા બેંક દ્વારા હવે આ સોનાની હરરાજી કરવાની નોબત આવી છે. આ અંગે ભોગ બનનારના માતા નાનીબેન મેવાડાએ ધ્રાંગધ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
