સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મકાન કામના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મનસુખભાઈ પાલાભાઈ મકવાણાએ પોતાના ધંધા માટે 1 માર્ચ 2024 ના રોજ ગામના જ મનુભાઈ જીવાભાઈ ખાચર પાસેથી 3 ટકાના વ્યાજે 2 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. એક વર્ષ સુધી નિયમિત વ્યાજ ચૂકવ્યા બાદ, વ્યાજખોરે લાલચમાં આવી વ્યાજનો દર વધારીને 5 ટકા કરી નાખ્યો હતો.
પીડિત યુવાને અત્યાર સુધીમાં 2 લાખની સામે 1,92,000 રૂપિયા જેટલી માતબર રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી છે. આમ છતાં, આરોપી મનુભાઈએ મૂળ રકમ અને વ્યાજ ગણીને કુલ 6 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. એટલું જ નહીં, વ્યાજખોરે યુવાનને પોતાનું ઘર ખાલી કરી દેવા અને જો રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપી હતી.
વ્યાજખોરના સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને અંતે મનસુખભાઈએ હિંમત ભેગી કરી ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વ્યાજખોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત સરકારના વ્યાજખોરો વિરુદ્ધના અભિયાન છતાં ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ આવા કિસ્સાઓ ચિંતાનો વિષય બન્યા છે.
