સુરેન્દ્રનગરના જાણીતા યુવાન અને અગ્રણી સેવાભાવી અગ્રણી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. સામાજિક, શૈક્ષણિક અને માનવતાવાદી ક્ષેત્રે અવિરત સેવાઓ આપવા બદલ તેમને આ રાષ્ટ્રીય સ્તરનું બહુમાન એનાયત કરવામાં આવ્યું છે.
ચંદ્રેશભાઈ પટેલ ‘શ્રી શિવલાલ આણંદજીભાઈ માકાસણા ચેરિટેબલ ટ્રસ્ટ’ના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ સરદારધામ (અમદાવાદ) તથા ઉમિયા માતાજી મંદિર (સિદ્ધસર)ના ટ્રસ્ટી અને ભારત સરકારના ‘ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા’ (FCI) ગુજરાતના સભ્ય તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. સંસ્થાઓના માધ્યમથી તેઓ વર્ષોથી વિવિધ સામાજિક કાર્યક્રમોનું સફળ આયોજન કરતા આવ્યા છે.
તેમની સેવાકીય પ્રવૃત્તિઓમાં ભૂખ્યાને ભોજન પૂરું પાડવું, વડીલો માટે વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રાઓનું આયોજન કરવું, તેમજ રક્તદાન કેમ્પ જેવા જનહિતના કાર્યોનો સમાવેશ થાય છે.
વિશેષરૂપે, કોરોના મહામારીના કપરા સમયમાં તેમણે દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડર, હોસ્પિટલ બેડ, ભોજન, માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરીને અનેક લોકોના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આ ઉપરાંત, સતત 7 વર્ષથી અબોલ જીવો માટે દૂધ પૌઆની સેવાકીય પ્રવૃત્તિ પણ નિયમિત કરવામાં આવે છે.
દિલ્હી ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમને આ એવોર્ડ એનાયત કરાતા ઝાલાવાડ સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન થયું છે. તેમની આ સિદ્ધિ બદલ વિવિધ સામાજિક સંસ્થાઓ, અગ્રણીઓ અને ગ્રામજનો તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
