સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી.
ચોમાસા દરમિયાન વરસાદના કારણે અટકી ગયેલા શહેરના વિવિધ વિકાસકાર્યોને પ્રાથમિકતાના ધોરણે ઝડપથી પૂર્ણ કરવા અને કામગીરીમાં ગુણવત્તા જાળવવા અંગે અધિકારીઓ સાથે ગંભીર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ખાસ કરીને શહેરના મહત્વકાંક્ષી 60 ફૂટ આઈકોનિક રોડના નિર્માણ અને આગામી આયોજન પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, વઢવાણથી દુધરેજ સુધીના અંદાજે 16 કિલોમીટર લાંબા માર્ગનો કબજો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ પાસેથી મહાનગરપાલિકા દ્વારા સંભાળવામાં આવ્યો હોવાથી, આ માર્ગના નવીનીકરણ અને સુધારણા માટે જરૂરી આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. ધારાસભ્યએ તમામ કામગીરી સમયમર્યાદામાં અને યોગ્ય સંકલન સાથે પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી.
આ મહત્વપૂર્ણ બેઠકમાં મહાનગરપાલિકાના મેયર રાકેશભાઈ રાઠોડ, કમિશનર જે. કે. જાદવ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી તથા બાંધકામ સમિતિ ચેરમેન જયદીપસિંહ ઝાલા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
