Sakhi One Stop Centre | વતનથી હજારો કિલોમીટર દૂર વિખૂટી પડેલી ઝારખંડની (Jharkhand) એક નાબાલિક દીકરીને સુરેન્દ્રનગરના ‘સખી વન સ્ટોપ સેન્ટર’ (Sakhi One Stop Centre) દ્વારા 18 દિવસ સુધી આશ્રય આપીને સુરક્ષિત રીતે પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે. સંકટ સમયે પીડિત મહિલાઓ અને બાળકો માટે આ સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.
આશ્રય દરમિયાન 18 દિવસ સુધી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે દીકરીને પારિવારિક હૂંફ, પૌષ્ટિક ભોજન અને યોગ્ય કાઉન્સેલિંગ દ્વારા માનસિક ટેકો પૂરો પાડવામાં આવ્યો હતો.
ઘટના અંગે બાળકીના પરિવારને જાણ કરાતા તેના મોટાભાઈ સુરેન્દ્રનગર પહોંચ્યા હતા. ત્યાર બાદ ચાઇલ્ડ વેલફેર કમિટી (Child Welfare Committee – CWC) ના અધ્યક્ષ અને સભ્યો દ્વારા તમામ જરૂરી લીગલ પ્રોસેસ (Legal Process) ઝડપથી પૂર્ણ કરી ભાઈ-બહેનને વતન તરફ રવાના કરવામાં આવ્યા હતા.
કેન્દ્ર સંચાલક ભાનુબેન કુમારખાણિયાએ જણાવ્યું હતું કે, આ સેન્ટરમાં આવતી દરેક પીડિત મહિલા કે બાળકીની સુરક્ષા ગોપનીયતા અને તેમના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે.
લોકલ એડમિનિસ્ટ્રેશન, સખી વન સ્ટોપ સેન્ટર અને બાળ કલ્યાણ સમિતિના ઉત્તમ કો-ઓર્ડિનેશનથી આ દીકરીનું તેના વતનમાં સફળ રિહેબિલિટેશન શક્ય બન્યું છે.
