Congress Paper Leak Protest | સમગ્ર દેશમાં સતત સામે આવી રહેલા પેપર લીક અને પરીક્ષા કૌભાંડોના મુદ્દે હવે કોંગ્રેસ પક્ષ આક્રમક મૂડમાં આવી ગયો છે. તાજેતરમાં જ NEET (નીટ) પરીક્ષામાં ગેરરીતિના ગંભીર આક્ષેપો બાદ પરીક્ષા રદ થતાં દેશના 22 લાખથી વધુ અને ગુજરાતના 80,000થી વધુ વિદ્યાર્થીઓ માનસિક રીતે ભાંગી પડ્યા છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, વારંવાર પેપર લીક થવાની ઘટનાઓ અને તેના કારણે વધતા માનસિક તણાવને લીધે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં 89 જેટલા પેપર લીક થયા છે અને 48 જેટલી મહત્વની પરીક્ષાઓ રદ કરવાની ફરજ પડી છે.
ગુજરાતમાં પણ બિન સચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને ફોરેસ્ટ ગાર્ડ જેવી અનેક ભરતી પરીક્ષાઓના પેપર લીક થતા યુવાનોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે.
આ શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલી ખુલ્લી લૂંટ અને ગેરરીતિઓ સામે લડત આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજથી ‘છાત્ર કી ગુંજ’ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અભિયાન અંતર્ગત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી (Naushad Solanki) અને AICC સેક્રેટરી ઋત્વિક મકવાણા (Rutvik Makwana) સહિતના આગેવાનો શાળા-કોલેજોમાં જઈને સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે સીધો સંવાદ કરશે. કોંગ્રેસ આ મુદ્દે જનજાગૃતિ લાવીને સરકાર સામે એકજૂથ થઈ મોટી લડત આપવાની તૈયારી કરી રહી છે.
