સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં એક બ્યુટી પાર્લરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગની તીવ્રતા જોઈને આસપાસના લોકોમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી અને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને આગ વધુ પ્રસરે તે પહેલાં તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
આ દુર્ઘટનામાં ઘરમાં ચાલી રહેલા બ્યુટી પાર્લરની તમામ સાધન-સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે મોટું આર્થિક નુકસાન થયું છે.
રાહતની વાત એ છે કે, આગ લાગતા જ પાર્લરમાં હાજર તમામ મહિલાઓ અને અન્ય લોકોને સમયસર અને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
