લીંબડી તાલુકાના રળોલ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નર્મદા યોજનાની S2-S3 પાઈપ લાઈન હેઠળ રળોલ ગામે 12.40 લાખ લીટરની વિશાળ ક્ષમતા ધરાવતા ભૂગર્ભ સમ્પનું પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ સાકાર થવાથી ગામના વર્ષો જૂના પાણીના પ્રશ્નોનો કાયમી ઉકેલ આવશે.
આ આધુનિક સમ્પનું નિર્માણ 44 લાખથી વધુના ખર્ચે કરવામાં આવશે અને તેનું કામ અંદાજે 4 માસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે APMC પ્રમુખ અજીતસિંહ ટાંક અને હરપાલસિંહ રાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે રળોલ ગામની 10,000 થી વધુની વસ્તીને આ સુવિધાનો સીધો લાભ મળશે, જેનાથી ખાસ કરીને સ્થાનિક મહિલાઓને પાણી માટે પડતી હાલાકી દૂર થશે.
