વઢવાણ તાલુકાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે આજે તાલુકા પંચાયત અને પ્રાંત કચેરી ખાતે 2 મહત્વની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘તાલુકા આયોજન સમિતિ’ અને ‘ATVT આયોજન સમિતિ’ની બેઠકો યોજાઈ હતી.
આ બેઠકો દરમિયાન વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ વધારવા માટે કુલ 3 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી છે. આ બજેટ દ્વારા ગામડાઓમાં પાકા રસ્તા, પીવાના પાણીની વ્યવસ્થા અને માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. સ્થાનિક લોકોના લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે આ આયોજન ખૂબ જ મહત્વનું સાબિત થશે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રને નવી દિશા મળશે.